Author(s)
PRAJAPATI DHARMANSHU SHIVRAM, PATEL MUKESHKUMAR NARANBHAI
- Manuscript ID: 121207
- Volume 2, Issue 7, Jul 2026
- Pages: 282–291
Subject Area: Sociology
Abstract
શિક્ષણ સમાજ પરિવર્તનનું સૌથી અસરકારક સાધન માનવામાં આવે છે અને શાળા એ પરિવર્તનનો મુખ્ય આધારસ્તંભ છે. શાળાના વિવિધ શૈક્ષણિક ઘટકોમાં પુસ્તકાલયનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. પુસ્તકાલય વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજને જ્ઞાન, માહિતી અને સ્વઅધ્યયન માટે જરૂરી સાધનો પૂરા પાડે છે. આધુનિક યુગમાં જ્ઞાનના ઝડપી વિસ્તરણને કારણે વાંચન સંસ્કૃતિનો વિકાસ અનિવાર્ય બન્યો છે. પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયની ક્ષમતા વધારવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસો વિદ્યાર્થીઓની વાંચન ટેવ, ભાષાકૌશલ્ય, વિચારશક્તિ અને સામાજિક જાગૃતિના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
પ્રસ્તુત અભ્યાસમાં ઈંગોલી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય સંવર્ધન, પુસ્તકાલય સંચાલન, વાચકવર્ગમાં વધારો અને વાંચન પ્રોત્સાહન માટે કરવામાં આવેલા વિવિધ પ્રયત્નોનું વર્ણનાત્મક અને ગુણાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે સુવ્યવસ્થિત પુસ્તકાલય, નિયમિત વાંચન પ્રવૃત્તિઓ, પુસ્તક સમીક્ષા કાર્યક્રમો, વાચકોનું સન્માન તથા સ્થાનિક સમાજની ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યેનો રસ વધ્યો છે. ઉપરાંત પુસ્તકાલય ગ્રામજનો, મહિલાઓ અને કિશોરીઓ માટે પણ જ્ઞાનપ્રાપ્તિનું કેન્દ્ર બન્યું છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે પ્રાથમિક શાળાનું પુસ્તકાલય માત્ર પુસ્તકોના સંગ્રહનું સ્થાન નથી, પરંતુ સામાજિક પરિવર્તન, જીવનપર્યંત અધ્યયન અને જ્ઞાનસમૃદ્ધ સમાજના નિર્માણ માટેનું સશક્ત માધ્યમ બની શકે છે.